ફતેપુરા ગ્રાહકોને જાણ કર્યા વગર ગેસ કનેક્શન ટ્રાન્સફર કર્યાના આક્ષેપ
ફતેપુરા: ફતેપુરાની દેવ ભારત ગેસ એજન્સીને લઈને ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કેટલાક ગ્રાહકોના આક્ષેપ મુજબ, તેમની જાણ કે પૂર્વ સૂચના વગર ગેસ કનેક્શન અન્ય ગેસ એજન્સીમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે.
ગ્રાહકોના જણાવ્યા મુજબ, પોતાનું કનેક્શન અન્ય એજન્સીમાં ટ્રાન્સફર થઈ ગયા બાદ જ તેમને સમગ્ર બાબતની જાણ થઈ રહી છે. જેના કારણે ગેસ સિલિન્ડર બુકિંગ સહિતની કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ સમગ્ર મામલે ગ્રાહકો દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે કે જો કનેક્શન ટ્રાન્સફરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી હોય તો સંબંધિત ગ્રાહકોને અગાઉથી જાણ કેમ કરવામાં આવતી નથી? ગ્રાહકોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં લઈને સમગ્ર મામલે ગેસ એજન્સી તથા સંબંધિત તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે અને યોગ્ય ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
આક્ષેપોને લઈને દેવ ભારત ગેસ એજન્સી તરફથી શું સ્પષ્ટતા કરવામાં આવે છે અને સમગ્ર મામલે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે, તે જોવું રહ્યું.
અહેવાલ: યાસીર ગુડાલા, ફતેપુરા