લોડ થઈ રહ્યું છે...

શ્રાવણ માસમાં ગેરકાયદે કતલખાના અને નોનવેજ દુકાનો સામે કાર્યવાહી કરવા VHPનું આવેદન

શ્રાવણ માસમાં ગેરકાયદે કતલખાના અને નોનવેજ દુકાનો સામે કાર્યવાહી કરવા VHPનું આવેદન
ઝાલોદ: પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ઝાલોદ શહેરમાં ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાના તેમજ મંદિરના માર્ગો પર આવેલી નોનવેજની દુકાનો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ઝાલોદ પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવાયું હતું કે ધાર્મિક સ્થળોની આસપાસ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવવામાં ન આવે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવે. નિયમોનું ઉલ્લંઘન કરતા કતલખાના અને દુકાનોના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ ગેરકાયદેસર કતલખાનાઓને સીલ કરી બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
VHPના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે અગાઉ અનેક વખત દરોડા પાડવામાં આવ્યા હોવા છતાં હજુ સુધી આવા કતલખાનાઓને સીલ કરવામાં આવ્યા નથી. જેના કારણે આવી પ્રવૃત્તિઓ ફરીથી શરૂ થતી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. શ્રાવણ માસની ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કડક અને અસરકારક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રખંડ અધ્યક્ષ અંકુરભાઈ પરમાર, રાહુલભાઈ પ્રજાપતિ, કિશનભાઈ દેવડા, વનરાજભાઈ કોળી, દીક્ષિતભાઈ શર્મા, માનવેન્દ્રભાઈ રાજપૂત, દર્શનભાઈ ચંદાણીયા અને દેવભાઈ પીઠાયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.