લોડ થઈ રહ્યું છે...

ફતેપુરા-બલૈયા રોડ પર ગમખ્વાર અકસ્માત, સ્કૂલ બસની ટક્કરે 27 વર્ષીય બાઇકચાલકનું મોત

ફતેપુરા: ફતેપુરા-બલૈયા રોડ પર આવેલા બલૈયા ગામના નદીના પુલ પર ગત સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. લુણાવાડાની વાઇબ્રન્ટ સ્કૂલ બસે મોટરસાઇકલને ટક્કર મારતા 27 વર્ષીય બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, સુખસર તાલુકાના કાળીયા તળાવ ફળીયાના રહેવાસી બિકનેશભાઈ છગનભાઈ મછાર (ઉં.વ. 27) પોતાની હીરો સી.ડી. ડીલક્સ મોટરસાઇકલ નં. GJ-20-BC-3719 લઈને ફતેપુરાથી બલૈયા તરફ જઈ રહ્યા હતા. દરમિયાન સાંજે આશરે 5 વાગ્યાના સુમારે બલૈયા ગામના નદીના પુલ પર સામેથી આવી રહેલી લુણાવાડા વાઇબ્રન્ટ સ્કૂલની બસ નં. GJ-35-T-3914 સાથે તેમની મોટરસાઇકલ અથડાઈ હતી. અકસ્માતમાં બિકનેશભાઈને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
બનાવની જાણ થતાં મૃતકના પિતા છગનભાઈ પરથીંગભાઈ મછાર પરિવાર સાથે ફતેપુરા હોસ્પિટલ પહોંચ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મડદાઘરમાં રાખવામાં આવ્યો હતો. આ અંગે મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે સ્કૂલ બસના ચાલક સુરેશભાઈ માવજીભાઈ ગરાસિયા, રહે. નવાગામ, તા. ફતેપુરા, વિરુદ્ધ અકસ્માત અને ગુનાહિત બેદરકારીનો ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.