સાવરકુંડલામાં SOGનો દરોડો, શંકાસ્પદ એનાલોગ પનીરનો 8 કિલો જથ્થો ઝડપાયો
સાવરકુંડલા: પ્રતિબંધિત એનાલોગ પનીર મામલે અમરેલી SOG દ્વારા સાવરકુંડલામાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. SOGની ટીમે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓને સાથે રાખીને સાવરકુંડલાની જલારામ બેકરી અને ઈલોરા કોલ્ડ્રીંક્સ ખાતે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન બંને સ્થળેથી શંકાસ્પદ એનાલોગ પનીરનો અંદાજે 8 કિલો જેટલો જથ્થો મળી આવતા તેને કબજે લેવામાં આવ્યો હતો. અધિકારીઓ દ્વારા પનીરના નમૂના લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
અમરેલી અને લાઠી બાદ હવે સાવરકુંડલામાં પણ શંકાસ્પદ એનાલોગ પનીરનો જથ્થો ઝડપાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને વેચાણને લઈને ચકચાર મચી છે. સમગ્ર મામલે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસ બાદ પનીર ખરેખર એનાલોગ છે કે નહીં તેમજ જવાબદાર સામે કઈ કાર્યવાહી થશે તે સ્પષ્ટ થશે.