અરવલ્લી LCBની મોટી કાર્યવાહી: ચોરીના મોબાઈલના રેકેટનો પર્દાફાશ, 4 આરોપી ઝડપાયા
મોડાસામાંથી 46 મોબાઈલ સહિત ₹9.20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
મોડાસા: અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા ચોરી અને સ્નેચિંગના મોબાઈલના રેકેટનો પર્દાફાશ કરી ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસની કાર્યવાહી દરમિયાન મોડાસાના માર્કેટ યાર્ડ ગેટ પાસે આવેલી મોબાઈલની દુકાનમાંથી 40 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. તેમજ આરોપીઓની અંગઝડતી દરમિયાન વધુ 6 મોબાઈલ મળી આવતા કુલ 46 મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અમદાવાદ સહિત વિવિધ સ્થળોએથી ચોરી અને સ્નેચિંગ કરાયેલા મોબાઈલ ફોન મોડાસામાં લાવી વેચાણ કરવામાં આવતા હતા. કેટલાક મોબાઈલના લોક-અનલોક કરી તેમના IMEI નંબર સાથે છેડછાડ કરવામાં આવતી હોવાનો પણ પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. ચોરીના મોબાઈલના સ્પેરપાર્ટ્સ અન્ય મોબાઈલમાં ઉપયોગ કરી તેનું વેચાણ કરવામાં આવતું હોવાની પણ તપાસમાં વિગતો સામે આવી છે.
LCB દ્વારા કાર્યવાહી દરમિયાન 46 મોબાઈલ ફોન ઉપરાંત લેપટોપ, ચાર્જર અને USB કેબલ સહિત કુલ ₹9.20 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે CEIR પોર્ટલ તેમજ સંચાર સાથી એપ્લિકેશન મારફતે મોબાઈલ ફોનની ઓળખ અને તેના મૂળ માલિક અંગેની તપાસ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, ચોરીના મોબાઈલ અન્ય રાજ્યો તેમજ વિદેશમાં મોકલવામાં આવતા હોવાની દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલે સાયબર પોલીસ સ્ટેશન, મોડાસા-અરવલ્લીમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને રેકેટ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ ઝાડેજાએ જણાવ્યું હતું કે, ચોરીના મોબાઈલના ગેરકાયદે વેચાણ અને IMEI સાથે છેડછાડ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.