ફતેપુરામાં મંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
ફતેપુરા: દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માન અને દેશભક્તિની ભાવનાને વધુ પ્રબળ બનાવવા ‘સ્વતંત્રતા સપ્તાહ – હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે લોકો દ્વારા ‘ભારત માતા કી જય’ અને **‘વંદે માતરમ’**ના નારાઓ લગાવવામાં આવતા સમગ્ર ફતેપુરા દેશભક્તિના રંગે રંગાયું હતું.
તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો દ્વારા નગરજનોમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવના જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યાત્રામાં વિવિધ વર્ગના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
આ પ્રસંગે ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી. આર. પટેલ, મામલતદારશ્રી, ટીડીઓશ્રી, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો, વિવિધ સરકારી વિભાગોના કર્મચારીઓ, ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
તિરંગા યાત્રા દરમિયાન રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને દેશભક્તિની ભાવનાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમથી ફતેપુરામાં સ્વતંત્રતા પર્વની ઉજવણીનો માહોલ વધુ ઉત્સાહભર્યો બન્યો હતો.