દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની રેલી દરમિયાન પથ્થરમારો : 13ની ધરપકડ
દાહોદ : વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન દાહોદમાં યોજાયેલી રેલીમાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે પોલીસે કુલ 14 ઈસમો વિરુદ્ધ નામજોગ તથા અન્ય આશરે 200 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
પોલીસ તપાસ દરમિયાન CCTV સર્વેલન્સ કેમેરાના ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી. તપાસના અંતે પોલીસે નામજોગ 14 આરોપીઓ પૈકી 13 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, ઝડપાયેલા 13 આરોપીઓ પૈકી 10 વ્યક્તિઓ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા DJ સાથે રેલી કાઢવામાં આવી હતી. રેલી દરમિયાન પરવાનગીના મુદ્દે તેમજ રસ્તો રોકવાના પ્રયાસને લઈને મામલો ગરમાયો હતો. ત્યારબાદ પથ્થરમારાની ઘટના બનતા પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા બળપ્રયોગ કર્યો હતો.
ઘટના બાદ પોલીસે CCTV ફૂટેજ સહિતના પુરાવાઓના આધારે તપાસ હાથ ધરી હતી. હાલ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.
રિપોર્ટર : ઝુબૈર પઠાણ, દાહોદ