દેવગઢ બારિયામાં ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો, તંત્રની વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલ
દેવગઢ બારિયા,૧૧ ઓગસ્ટ: દેવગઢ બારિયા શહેરના પડાવ વિસ્તારમાં આવેલી સરકારી ખાતરની દુકાન બહાર ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. ભરચોમાસે ખેતરોમાં પાક ઉભો છે ત્યારે સમયસર ખાતર ન મળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ, છેલ્લા બે-ત્રણ દિવસથી ખાતર મેળવવા માટે તેઓ વારંવાર ધક્કા ખાઈ રહ્યા છે, છતાં પૂરતું ખાતર મળી રહ્યું નથી. વહેલી સવારથી જ ખેડૂતો દુકાન બહાર લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે.
ખાસ કરીને મહિલાઓ પણ પોતાના નાના બાળકોને સાથે લઈને ખાતર મેળવવા માટે વહેલી સવારે કતારમાં ઊભી રહેતી જોવા મળી હતી. લાંબો સમય રાહ જોવી પડતી હોવાથી ખેડૂતોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે.
ખેડૂતોનું કહેવું છે કે હાલ ખેતરમાં પાક ઉભો છે અને પાક માટે સમયસર ખાતર આપવું જરૂરી છે. જો યોગ્ય સમયે ખાતર નહીં મળે તો પાકના ઉત્પાદન પર તેની અસર થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
ખાતરની અછત અને વિતરણની વ્યવસ્થાને લઈને ખેડૂતો દ્વારા તંત્ર સમક્ષ પૂરતો જથ્થો વહેલી તકે ઉપલબ્ધ કરાવવા તેમજ ખાતરનું વિતરણ સુચારુ અને વ્યવસ્થિત રીતે થાય તેવી માંગ કરવામાં આવી છે.
હવે જોવાનું એ રહ્યું કે ખેડૂતોની ખાતર અંગેની મુશ્કેલી દૂર કરવા માટે તંત્ર દ્વારા ક્યારે અને શું કાર્યવાહી કરવામાં આવે છે.
રિપોર્ટર: દર્શન સુતરીયા | દેવગઢ બારિયા