દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના બામરોલીમાંથી રૂ.5.08 લાખનો દારૂનો મુદ્દામાલ ઝડપાયો
દેવગઢ બારિયા, તા.3: દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના બામરોલી ગામે સાગટાળા પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
પોલીસે બામરોલી ગામના વચલા ફળિયા સામે રોડની બાજુમાં ઝાડીઝાખરી પાસે ઉભેલી ઇક્કો ગાડીની તપાસ કરતા વિદેશી દારૂની 54 પેટીમાંથી કુલ 1,752 બોટલો મળી આવી હતી. દારૂના જથ્થાની કિંમત રૂ.2,53,320 હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી ઇક્કો ગાડી કિંમત રૂ.2,50,000 તથા એક મોબાઇલ ફોન કિંમત રૂ.5,000 મળી કુલ રૂ.5,08,320નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.
આ કેસમાં પોલીસે પીપલોદ, માતાના વડ ફળિયાના બલુભાઈ ધીરસિંગભાઈ પટેલને ઝડપી પાડ્યો છે. જ્યારે દેવગઢ બારિયાના મિતેશભાઈ શનાભાઈ ઠાકોર ઉર્ફે કાળિયોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. બંને વિરુદ્ધ ગુનો નોંધી સાગટાળા પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.