લોડ થઈ રહ્યું છે...

ઝાલોદમાં ચેક બાઉન્સ કેસમાં આરોપીને બે વર્ષની જેલ ₹3 લાખના ચેક બાઉન્સ મામલે કોર્ટનો ચુકાદો, ફરિયાદીને ₹6 લાખ વળતર 30 દિવસમાં ચૂકવવાનો આદેશ

ઝાલોદમાં ચેક બાઉન્સ કેસમાં આરોપીને બે વર્ષની જેલ ₹3 લાખના ચેક બાઉન્સ મામલે કોર્ટનો ચુકાદો, ફરિયાદીને ₹6 લાખ વળતર 30 દિવસમાં ચૂકવવાનો આદેશ
ઝાલોદ, દાહોદ: ઝાલોદમાં ₹3 લાખના ચેક બાઉન્સના કેસમાં અદાલતે મહત્વપૂર્ણ ચુકાદો આપતા આરોપી સબુરભાઈ કટારાને બે વર્ષની જેલની સજા ફટકારી છે. સાથે જ ફરિયાદી સમીરભાઈ પટેલને ₹6 લાખ વળતર પેટે 30 દિવસની અંદર ચૂકવવાનો હુકમ કર્યો છે. મળતી વિગતો મુજબ, આરોપી સબુરભાઈ કટારાએ અંગત જરૂરિયાત માટે ફરિયાદી સમીરભાઈ પટેલ પાસેથી ₹3 લાખની રકમ ઉછીની લીધી હતી. રકમ પરત ચૂકવવા માટે આરોપીએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ઝાલોદ શાખાનો ₹3 લાખનો ચેક આપ્યો હતો. ફરિયાદીએ ચેક બેંકમાં જમા કરાવતા ખાતામાં પૂરતી રકમ ન હોવાના કારણે ચેક બાઉન્સ થયો હતો. ચેક બાઉન્સ થયા બાદ ફરિયાદી દ્વારા વકીલ મારફતે આરોપીને કાયદેસરની નોટિસ પાઠવવામાં આવી હતી. તેમ છતાં રકમની ચુકવણી ન થતાં ફરિયાદીએ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી.
કેસની સુનાવણી દરમિયાન રજૂ થયેલા પુરાવાઓને આધારે અદાલતે આરોપીને દોષિત ઠેરવી બે વર્ષની જેલની સજા ફટકારી હતી. ઉપરાંત ફરિયાદીને ચેકની રકમના બમણા એટલે કે ₹6 લાખ વળતર તરીકે 30 દિવસમાં ચૂકવવાનો આદેશ કર્યો છે. અદાલતના હુકમ મુજબ, નિર્ધારિત સમયમર્યાદામાં ₹6 લાખની વળતર રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો આરોપીને વધુ છ માસની જેલની સજા ભોગવવી પડશે. ચુકાદો સંભળાવવામાં આવ્યો ત્યારે આરોપી અદાલતમાં હાજર ન હોવાથી તેમના વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ (NBW) પણ જારી કરવામાં આવ્યું છે અને તેમને પકડીને કોર્ટ સમક્ષ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ચેક બાઉન્સના આ કેસમાં આવેલા ચુકાદાને પગલે નાણાકીય વ્યવહારોમાં જવાબદારીપૂર્વક વ્યવહાર કરવા તથા કાયદેસરની પ્રક્રિયાનું પાલન કરવાના મહત્વ પર ભાર મૂકાયો છે.