રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે પડાવ–દાહોદ ખાતે જિલ્લા કક્ષાનો મેગા આયુષ્ય કેમ્પ યોજાયો
દાહોદ: રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે દાહોદ જિલ્લાના પડાવ ખાતે આવેલ શ્રી સંતકૃપા સત્સંગ પરિવાર સેવા ટ્રસ્ટ ખાતે જિલ્લા કક્ષાના વિવિધ આયુષ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત મેગા આયુષ્ય કેમ્પ, નિદાન શિબિર, ગ્રામ્ય કક્ષાએ આયુષ્ય સભા, યોગ શિબિર તથા આંગણવાડી કેન્દ્રો ખાતે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિરેન જે. બારોટ સાહેબ, દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીમતી મોહનીયા ગમાબેન અભેસિંહ, દાહોદ જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેનશ્રીમતી ડામોર સુમનબેન મુકેશભાઈ, દાહોદ જિલ્લા પંચાયતની ખેતીવાડી સમિતિના ચેરમેનશ્રીમતી સોનલબેન, પૂર્વ કારોબારી ચેરમેનશ્રી મોહનીયા અભેસિંહ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ડામોર મુકેશભાઈ તથા જિલ્લા મુખ્ય આંગણવાડી અધિકારીશ્રી (CDHO) મેડમ, ડો. જોશી સાહેબ, સહિતના તમામ ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.
મેગા આયુષ્ય કેમ્પ દરમિયાન નાગરિકોની આરોગ્ય તપાસ તથા નિદાન કરવામાં આવ્યું હતું તેમજ જરૂરિયાત મુજબ આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ આયુર્વેદિક જીવનશૈલી, યોગ, પોષણ અને આરોગ્ય જાગૃતિ અંગે નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આયુર્વેદ અને આયુષ પદ્ધતિ અંગે જનજાગૃતિ વધારવા તેમજ “સ્વસ્થ વ્યક્તિ, સ્વસ્થ પરિવાર અને સ્વસ્થ સમાજ”ના સંકલ્પને સાકાર કરવાનો રહ્યો હતો.
કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ તથા આયુષ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, આરોગ્યકર્મીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.