લોડ થઈ રહ્યું છે...

ગૃહ વિભાગના રાજ્યવ્યાપી “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત દાહોદ સબ જેલમાં 200 જેટલા વૃક્ષોના રોપા વાવાયા

દાહોદ: ગૃહ વિભાગના રાજ્યવ્યાપી “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત દાહોદ સબ જેલ ખાતે વૃક્ષારોપણ તેમજ સાફ-સફાઈ અને સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેલોના પોલીસ મહાનિદેશક ડૉ. કે.એલ.એન. રાવ, નાયબ પોલીસ મહાનિરીક્ષક (જેલ) આર.પી. બારોટ તથા વડોદરા ઝોનના નાયબ પોલીસ મહાનિરીક્ષક (જેલ) સરોજકુમારીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર અને ડોકી ગ્રામ પંચાયતના સરપંચ પીઠાભાઈ મડીયાભાઈ બારીયા ઉપસ્થિત રહ્યા હતા. જેલ પરિસર તેમજ જેલની અંદરના ભાગમાં અધિકારીઓ, કર્મચારીઓ અને બંદિવાનો દ્વારા વિવિધ પ્રકારના વૃક્ષોના આશરે ૨૦૦ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાથે જ જેલ પરિસરમાં સાફ-સફાઈ કરી સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરાયું હતું.
જેલ પ્રશાસનના જણાવ્યા મુજબ, આવી રચનાત્મક પ્રવૃત્તિઓનો હેતુ બંદિવાનોમાં સકારાત્મક વિચારસરણી, સહભાગિતા, ભાઈચારો, માનસિક પ્રસન્નતા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધારવાનો છે. સમગ્ર કાર્યક્રમ જેલ અધિકારીઓ, કર્મચારીઓ અને બંદિવાનોના સહકારથી હર્ષોલ્લાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો.