ઝાલોદમાં ગણપતિ વિસર્જનને લઈ પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
ગણપતિજીની સ્થાપના અને વિસર્જન દરમિયાન શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસની કામગીરી
ઝાલોદ શહેરમાં ગણપતિજીની સ્થાપના તથા વિસર્જનના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર તા. 19/09/2026ના રોજ સાંજે 6:00થી 7:05 કલાક દરમિયાન ઝાલોદ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું.
નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.આર. પટેલ, ઝાલોદ ડિવિઝન તથા ઝાલોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.જે. ગામીતના અધ્યક્ષસ્થાને પોલીસ સ્ટાફ દ્વારા ગણપતિ રૂટ મુજબ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
ઝાલોદ પોલીસ સ્ટેશનથી શરૂ થયેલું ફૂટ પેટ્રોલિંગ સ્વર્ણિમ સર્કલ, કોળીવાડા, રહેમાની મસ્જિદ, મીઠાચોક, મસ્જિદ બજાર, વડબજાર, ભરત ટાવર, એસ.ટી. સર્કલ, ગામડી ચોકડી, ખાંટવાડા, મોચી દરવાજા, ગીતા મંદિર અને સ્વર્ણિમ સર્કલ થઈ ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે પૂર્ણ કરવામાં આવ્યું હતું.
આ કામગીરીમાં શ્રી આર.પી. ડામોર, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, ઝાલોદ પોલીસ સ્ટેશન તેમજ અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. ગણપતિજીની સ્થાપના તથા વિસર્જન દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને તકેદારી રાખવામાં આવી હતી.