દેવગઢ બારિયા તાલુકાના પીપલોદમાં ગણેશ ઉત્સવને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ
પીપલોદ, તા. 13: ગણેશ ઉત્સવ દરમિયાન શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કબીર આશ્રમના હોલ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પીપલોદ તથા આસપાસના ગામોના મોટી સંખ્યામાં સરપંચો, ગામના આગેવાનો, ગણેશ ઉત્સવના આયોજકો તેમજ હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકનું અધ્યક્ષસ્થાન લીમખેડા ડિવિઝનના ડીવાયએસપી મિત્તલ સાકરીયાએ સંભાળ્યું હતું. તેમણે ગણેશ ઉત્સવ દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તહેવાર દરમિયાન કાયદો-વ્યવસ્થાનું પાલન કરવા અને પોલીસ તંત્ર સાથે સંકલન જાળવવા પણ અપીલ કરવામાં આવી હતી.
આ પ્રસંગે પીપલોદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એન.એન. પરમાર સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. પોલીસ અધિકારીઓએ ગણેશ ઉત્સવના આયોજકો તથા સમાજના આગેવાનોને તહેવાર શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવવા અનુરોધ કર્યો હતો.
બેઠક દરમિયાન ઉપસ્થિત આગેવાનો દ્વારા પણ શાંતિ અને ભાઈચારાનું વાતાવરણ જાળવવા સહકાર આપવાની ખાતરી આપવામાં આવી હતી. બેઠક સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ હતી.