લોડ થઈ રહ્યું છે...

દાહોદ જિલ્લા ના લીમખેડા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ કર્યુ વાર્ષિક નિરીક્ષણ

લીમખેડા, દાહોદ: દાહોદ જિલ્લાના લીમખેડા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ અધિક્ષકના આગમન સમયે પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વાર્ષિક નિરીક્ષણ દરમિયાન લીમખેડા ડીવાયએસપી મિત્તલ સાકરીયા, પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. વસાવા સહિત સમગ્ર પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. એસપી રવિરાજસિંહ જાડેજાએ પોલીસ મથકના વિવિધ વિભાગોની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન પોલીસ મથકમાં જાળવવામાં આવતા વિવિધ રેકર્ડ, ગુના રજિસ્ટર તેમજ અન્ય દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. સાથે જ પોલીસ કર્મચારીઓ સાથે વ્યક્તિગત બેઠક યોજી તેમની કામગીરી, પડકારો અને સ્થાનિક સ્તરે આવતી સમસ્યાઓ અંગે માહિતી મેળવવામાં આવી હતી.
આ ઉપરાંત પોલીસ મથકે આવેલા અરજદારોની ફરિયાદો પણ સાંભળી હતી અને અરજીઓનો ઝડપી તથા યોગ્ય નિકાલ થાય તે માટે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવા તેમજ ગુનાખોરી ઉપર અસરકારક નિયંત્રણ જળવાઈ રહે તે માટે પોલીસ સ્ટાફને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી વાર્ષિક નિરીક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું હતું.