ઝાલોદમાં તસ્કરોનો આતંક, બે મહિના બાદ ફરી બાઈકના લોક તોડવાનો પ્રયાસ
સાંઈધામ સોસાયટીમાં રાત્રે તસ્કરોના આંટાફેરા, સ્થાનિક રહીશો જાગી જતા તસ્કરો ફરાર; ડુંગળી ફળિયામાં CCTVમાં કેદ
ઝાલોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં ચોરીની ઘટનાઓને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઝાલોદની સાંઈધામ સોસાયટીમાં આશરે બે મહિના અગાઉ તસ્કરોએ એક બાદ એક ત્રણ જેટલા મકાનોને નિશાન બનાવી ઘરફોડ ચોરી કરી હતી. જેમાં એક વિધવા મહિલાના મકાનમાંથી આશરે રૂ. બે લાખની રોકડ તથા એક બાઈકની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાને બે મહિના જેટલો સમય વીતી જવા છતાં ચોરીનો ભેદ ઉકેલાયો ન હોવાનું સ્થાનિકોનું કહેવું છે.
આ દરમિયાન તા. 9 સપ્ટેમ્બર, 2026ના રોજ સાંઈધામ સોસાયટીમાં ફરી એક વખત તસ્કરોના આંટાફેરા જોવા મળ્યા હતા. તસ્કરોએ કેટલાક બાઈકના લોક તોડવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન સ્થાનિક રહીશો જાગી જતા તસ્કરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, તસ્કરો સોસાયટીમાંથી ભાગીને આશરે સવારે 5 વાગ્યાના અરસામાં ખેતરના પાછળના ભાગેથી ડુંગળી ફળિયા તરફ ગયા હતા. આ દરમિયાન ડુંગળી ફળિયા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનના CCTV કેમેરામાં તસ્કરો કેદ થયા હોવાનું સામે આવ્યું છે.
બે મહિના અગાઉ થયેલી ઘરફોડ ચોરી બાદ ફરી તસ્કરો સક્રિય થતાં ઝાલોદ નગરમાં ચિંતા સાથે ભયનો માહોલ સર્જાયો છે. CCTV ફૂટેજના આધારે પોલીસ તસ્કરો સુધી પહોંચે અને અગાઉની ચોરીનો ભેદ પણ ઉકેલાય તેવી સ્થાનિક રહીશોમાં માંગ ઉઠી છે.