ઈરા સ્કૂલમાં શિક્ષક દિન અને સ્વશાસન દિનની ઉજવણી
દેવગઢ બારીયા: દેવગઢ બારીયાની ઈરા સ્કૂલ ખાતે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિન નિમિત્તે શિક્ષક દિન અને સ્વશાસન દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં શિક્ષકો પ્રત્યે સન્માનની ભાવના સાથે જવાબદારી અને નેતૃત્વના ગુણો વિકસાવવાનો હતો.
સ્વશાસન દિન અંતર્ગત ધોરણ ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓએ બાળ શિક્ષકની ભૂમિકા નિભાવી હતી. વિદ્યાર્થીઓએ નર્સરીથી ધોરણ ૮/૯ સુધીના વર્ગોમાં શિક્ષણકાર્ય કરાવી શિક્ષક તરીકેની જવાબદારીનો અનુભવ મેળવ્યો હતો.
આ પ્રસંગે બાળ શિક્ષકો દ્વારા શાળાના શિક્ષકો તથા નોન-ટીચિંગ સ્ટાફ માટે વિવિધ મનોરંજક રમતોનું પણ આયોજન કરાયું હતું. શાળાના ભૂતપૂર્વ શિક્ષક સ્વ. પ્રકાશભાઈ ગણપતભાઈ બારીયાની સ્મૃતિમાં ‘પ્રકાશ બારીયા મેમોરીયલ ક્રિકેટ ટુર્નામેન્ટ’ યોજાઈ હતી, જેમાં ચાર ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ‘ઇરા યંગ ઇલેવન’ વિજેતા અને ‘રેડ રાઇડર’ ટીમ રનર્સ અપ રહી હતી.
ઉપરાંત, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે સેવ-ઉસળના ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના ટ્રસ્ટીશ્રી બાબા સાહેબ દ્વારા તમામ શિક્ષકોને ભેટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શાળા સંચાલકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.