કણઝર અને ડોલરિયા ગામે TB મુક્ત ભારત અભિયાન અંતર્ગત પોર્ટેબલ X-Ray કેમ્પ યોજાયો
ધાનપુર: ધાનપુર તાલુકાના PHC કાલીયાવડ દ્વારા “TB મુક્ત ભારત” અભિયાન અંતર્ગત કણઝર અને ડોલરિયા ગામ ખાતે પોર્ટેબલ X-Ray આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો હતો. ગામડાના લોકો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાના હેતુથી યોજાયેલા આ કેમ્પમાં ખાસ કરીને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો તેમજ લાંબા સમયથી ખાંસીની ફરિયાદ ધરાવતા લાભાર્થીઓની TB અંગે તપાસ કરવામાં આવી હતી.
પોર્ટેબલ X-Rayની સુવિધા ગામમાં જ ઉપલબ્ધ કરાવવામાં આવતા ગ્રામજનોને સ્થળ પર જ તપાસનો લાભ મળ્યો હતો. TBની તપાસ ઉપરાંત લાભાર્થીઓનું બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હાઇપરટેન્શન સહિતની બિનચેપી બીમારીઓ અંગે પણ આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ મેલેરિયા અંગેની તપાસ પણ હાથ ધરવામાં આવી હતી.
આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા હાલ ચાલી રહેલી PMJAY કાર્ડ બનાવવાની ઝુંબેશ અંતર્ગત જેમના PMJAY કાર્ડ બનાવવાના બાકી હતા, તેવા લાભાર્થીઓના કાર્ડ પણ સ્થળ પર જ આરોગ્ય કર્મચારીઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા.
કેમ્પ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમે ગ્રામજનોને TBના લક્ષણો, સમયસર તપાસ અને સારવાર અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમજ TBથી બચાવ માટે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.
“TB મુક્ત ભારત”ના સંકલ્પને સાકાર કરવા ગ્રામ્ય વિસ્તારોમાં યોજાઈ રહેલા આવા કેમ્પથી શંકાસ્પદ દર્દીઓની વહેલી તકે ઓળખ કરી સમયસર સારવાર શરૂ કરવામાં મદદ મળશે. સાથે જ ગામના લોકોને એક જ સ્થળે વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ મળતાં આ અભિયાન ગ્રામજનો માટે ઉપયોગી સાબિત થયું હતું.