કોડીનયુક્ત દવાઓના ગેરકાયદે વેચાણ સામે રાજ્યવ્યાપી સ્પેશ્યલ ડ્રાઇવ
₹83 લાખથી વધુનો દવાનો જથ્થો પ્રતિબંધિત, 7 પેઢીઓને નોટિસ; એકનો પરવાનો રદ
અમદાવાદ: ગુજરાતમાં કોડીન ઘટક ધરાવતી દવાઓના ગેરકાયદે ઉપયોગ, અનધિકૃત સંગ્રહ અને વેચાણ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી સ્પેશ્યલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચના બાદ તા. 1 સપ્ટેમ્બર, 2026ના રોજ હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ-1 અને મહેસાણા જિલ્લામાં દવાના હોલસેલ તથા રિટેલ વેપારીઓની સઘન તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન અમદાવાદ ગ્રામ્ય-ગાંધીનગર સ્થિત બાલાજી ફાર્મામાંથી કોડીન ઘટક ધરાવતી Rexton-T Syrupની કુલ 37,762 બોટલ મળી આવી હતી. પ્રતિ બોટલ રૂ.220ની MRP મુજબ આ જથ્થાની અંદાજિત કિંમત રૂ.83.07 લાખ થાય છે. તંત્ર દ્વારા આ સમગ્ર જથ્થાને વધુ વેચાણ કે ઉપયોગ ન થાય તે માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. ઉપરાંત, નિયમ મુજબ પૃથ્થકરણ માટે દવાનો નમૂનો લેવામાં આવ્યો છે.
તપાસ દરમિયાન પેઢીના ખરીદ-વેચાણના રેકોર્ડની પણ ચકાસણી કરવામાં આવી હતી. જેમાં પેઢી દ્વારા મુખ્યત્વે કોડીન ઘટક ધરાવતી દવાઓનો વેપાર કરવામાં આવતો હોવાનું જણાયું હતું. તપાસમાં મળેલી ક્ષતિઓ અંગે પેઢીને કારણદર્શક નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે.
કલોલની હેલ્થ પોઇન્ટ ફાર્મા સામે અગાઉ હાથ ધરાયેલી તપાસમાં મળેલી ક્ષતિઓ અંગે કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હતી. પેઢીનો ખુલાસો સંતોષકારક ન જણાતા તેનો દવા વેચાણનો પરવાનો રદ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ચાંગોદરની ફાર્માલિન લાઇફસાયન્સિસ, સાંતેજની રેઇન રેમેડીઝ, વિસનગરની કેપિટલ ફાર્મા, અમદાવાદ-1ની HRDM ગ્લોબલ સોલ્યુશન્સ તથા જય અંબે ડિસ્ટ્રિબ્યુટર્સ અને કઠવાડાની કૃષ્ણા ફાર્મા સામે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
જય અંબે ડિસ્ટ્રિબ્યુટર્સના સ્ટોકમાંથી કોડીન ઘટક ધરાવતી R Tuss TD Syrupની 57 બોટલ મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂ.9,006 થાય છે. આ જથ્થાને પણ વધુ વેચાણ કે ઉપયોગ ન થાય તે માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. પેઢીના રેકોર્ડની ચકાસણી દરમિયાન જણાયેલી ક્ષતિઓ અંગે કારણદર્શક નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે.
તંત્ર દ્વારા જણાવાયું છે કે તમામ સંબંધિત પેઢીઓના કોડીનયુક્ત દવાઓના ખરીદ-વેચાણના બિલ, રેકોર્ડ અને અન્ય દસ્તાવેજોની ચકાસણી ચાલી રહી છે. સમગ્ર મામલે આગળની તપાસ પણ ચાલુ છે.
તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે કોડીન ઘટક ધરાવતી દવાઓનો ઉપયોગ માત્ર માન્ય તબીબી પ્રિસ્ક્રિપ્શન અને કાયદેસર માર્ગે થાય તે સુનિશ્ચિત કરવા માટે રાજ્યભરમાં તપાસ અને દેખરેખની કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર પેઢીઓ સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.