ઝાલોદમાં ગણેશ ઉત્સવને લઈ શાંતિ સમિતિની બેઠક
ઝાલોદ: આગામી ગણેશ મહોત્સવ શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી ઝાલોદ શહેરમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પોલીસ અધિકારીઓ, ગણેશ ઉત્સવના આયોજકો, સમાજના આગેવાનો તેમજ શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન પી.આઈ. રવિ ગામીત તથા પી.એસ.આઈ. સી.કે. સીસોદીયાએ ગણેશજીના આગમનથી લઈને વિસર્જન સુધીના આયોજન અંગે આયોજકોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. ખાસ કરીને ગણેશ આગમન અને વિસર્જન દરમિયાન શોભાયાત્રાના રૂટ, ટ્રાફિક વ્યવસ્થા, ભીડ નિયંત્રણ તથા કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા ગણેશ મહોત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આયોજકોને નિયમોનું પાલન કરવા અને પોલીસ તંત્રને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી. તેમજ કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિથી દૂર રહેવા સૂચના આપવામાં આવી હતી.
સોશિયલ મીડિયાને લઈને પણ પોલીસ દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરાઈ હતી. કોઈપણ ધર્મ, સમાજ કે વ્યક્તિ વિરુદ્ધ ઉશ્કેરણીજનક અથવા ભડકાઉ પોસ્ટ, વીડિયો કે મેસેજ વાયરલ ન કરવા તેમજ માહિતીની સત્યતા ચકાસ્યા વિના કોઈ મેસેજ ફોરવર્ડ ન કરવા જણાવાયું હતું.
બેઠકમાં ઉપસ્થિત ગણેશ ઉત્સવના આયોજકો અને આગેવાનોએ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી. આગામી ગણેશ મહોત્સવ શાંતિ, સલામતી અને ભાઈચારાના માહોલમાં ઉજવાય તે માટે સૌએ સાથે મળીને જવાબદારી નિભાવવાનો સંકલ્પ કર્યો હતો.