લોડ થઈ રહ્યું છે...

ઝાલોદમાં કોળી યુવા મિત્ર મંડળના ગણપતિનું ભવ્ય આગમન

ઝાલોદમાં કોળી યુવા મિત્ર મંડળના ગણપતિનું ભવ્ય આગમન
ઝાલોદ: ઝાલોદ નગરમાં ગણેશોત્સવ નિમિત્તે કોળી સમાજ ઝાલોદના કોળી યુવા મિત્ર મંડળ દ્વારા ગણપતિ બાપ્પાનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું. ભક્તિમય માહોલ વચ્ચે યોજાયેલી આગમન યાત્રામાં મોટી સંખ્યામાં સમાજના યુવાનો, આગેવાનો, મહિલાઓ, વડીલો અને ભક્તો જોડાયા હતા. ગણપતિની આગમન યાત્રા ઝાલોદ બસ સ્ટેશનથી પ્રસ્થાન કરી ભરત ટાવર, વડ બજાર, ગીતામંદિર, સરણીમ સર્કલ અને કોળીવાડા સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. યાત્રા દરમિયાન નગરના વિવિધ વિસ્તારોમાં ભક્તો દ્વારા ગણપતિ બાપ્પાનું ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. આગમન યાત્રા દરમિયાન સમગ્ર માર્ગ પર ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. કોળી સમાજના યુવાનો મોટી સંખ્યામાં એકજૂથ થઈ આગમનમાં જોડાતા સમાજની એકતા અને સંગઠનશક્તિ પણ જોવા મળી હતી.
ઝાલોદમાં કોળી યુવા મિત્ર મંડળના ગણપતિનું ભવ્ય આગમન - Image 2
કોળી યુવા મિત્ર મંડળ દ્વારા આયોજિત આ આગમનનો હેતુ ધાર્મિક ભાવના સાથે સમાજમાં એકતા, ભાઈચારો અને સામાજિક સંવાદિતાને વધુ મજબૂત કરવાનો હોવાનું જણાવાયું હતું. યુવાનો દ્વારા આગમનની વ્યવસ્થા અને આયોજનમાં સક્રિય સહભાગિતા કરવામાં આવી હતી. ઝાલોદ નગરમાં કોળી યુવા મિત્ર મંડળ દ્વારા કરવામાં આવેલ પ્રથમ ગણપતિ આગમનને લઈને સમાજમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. ભક્તિમય વાતાવરણ વચ્ચે આગમન યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.