દેવગઢ બારિયામાં કષ્ટભંજન હનુમાનજી મંદિરે ચલણી નોટોથી ભવ્ય હિંડોળા શણગાર
શ્રાવણના અંતિમ શનિવારે રૂ. 70 હજારની ચલણી નોટોથી કરાયો અનોખો શણગાર, મહાકાલ સ્વરૂપમાં હનુમાનજીના ભક્તોને દર્શન
દેવગઢ બારિયા: દેવગઢ બારિયામાં આવેલા શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરે શ્રાવણ માસના અંતિમ શનિવારે હનુમાનજી મહારાજનો ભવ્ય અને અનોખો હિંડોળા શણગાર કરવામાં આવ્યો હતો. શ્રાવણ માસ દરમિયાન દર શનિવારે હનુમાનજી મહારાજને વિવિધ આકર્ષક હિંડોળાથી શણગારવામાં આવતા હોય છે, ત્યારે અંતિમ શનિવારે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભગવાન કષ્ટભંજન હનુમાનજી મહારાજ માટે અંદાજે રૂ. 70 હજારની ચલણી નોટોથી ભવ્ય હિંડોળો શણગારવામાં આવ્યો હતો. આ શણગારમાં રૂ. 10, 20, 50, 100 અને 200ની ચલણી નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચલણી નોટોથી તૈયાર કરાયેલા આ અનોખા હિંડોળાએ મંદિર ખાતે આવેલા ભક્તોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું.
આ ઉપરાંત કષ્ટભંજન હનુમાનજી મહારાજને મહાકાલ સ્વરૂપમાં પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. મહાકાલ સ્વરૂપના દર્શન અને અનોખા હિંડોળા શણગારને નિહાળવા મોટી સંખ્યામાં ભક્તો મંદિરે ઉમટી પડ્યા હતા.
મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે ભક્તોએ હનુમાનજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જય શ્રી રામ અને હનુમાનજી મહારાજના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. શ્રાવણ માસના અંતિમ શનિવારે થયેલા આ વિશેષ શણગારને લઈને ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.