લોડ થઈ રહ્યું છે...

ફતેપુરાના સ્વ. શિક્ષકના પરિવારને SBI સેલેરી પેકેજ હેઠળ રૂ. 10 લાખની સહાય

ફતેપુરાના સ્વ. શિક્ષકના પરિવારને SBI સેલેરી પેકેજ હેઠળ રૂ. 10 લાખની સહાય
ફતેપુરા તાલુકાની પીપલારા પ્રાથમિક શાળા (એડ ફળિયા વર્ગ)માં ફરજ બજાવતા સ્વ. શિક્ષક ગિરીષભાઇ સાંકળચંદ પટેલનું તા. 24 જૂન, 2026ના રોજ અકાળે અવસાન થયું હતું. તેમના પરિવારને આર્થિક સહાય મળી રહે તે માટે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અને શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને સફળતા મળી છે. રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) સાથે થયેલા સ્ટેટ ગવર્મેન્ટ સેલેરી પેકેજ (SGSP) અંતર્ગત સ્વ. ગિરીષભાઇ પટેલના પરિવારને બીમા સહાયનો લાભ અપાવવા માટે જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દાહોદ, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ફતેપુરા તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી (TPEO)ના સહયોગથી જરૂરી દસ્તાવેજો અને ડેટા SBI ફતેપુરા શાખા મારફતે રજૂ કરવામાં આવ્યા હતા. જેના પગલે બીમા ક્લેમ મંજૂર થતાં SBI ફતેપુરા શાખા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સ્વ. ગિરીષભાઇ પટેલના ધર્મપત્ની તથા વારસદાર શ્રીમતી સંગીતાબેન પટેલને રૂ. 10 લાખની સેલેરી પેકેજ બીમા સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
ફતેપુરાના સ્વ. શિક્ષકના પરિવારને SBI સેલેરી પેકેજ હેઠળ રૂ. 10 લાખની સહાય - Image 2
આ પ્રસંગે SBIના રીજીયોનલ મેનેજર, ફતેપુરા SBI શાખાના બ્રાન્ચ મેનેજર શ્રી શશીકાંતજી તેમજ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતના આંતરિક ઓડિટર શ્રી દિનેશભાઇ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અને શિક્ષણ વિભાગની ત્વરિત કામગીરીથી સ્વ. શિક્ષકના પરિવારને આર્થિક સહારો મળતા પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો. સંગઠન દ્વારા શિક્ષકો તેમજ તેમના પરિવારના હિત માટે સતત કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.