ફતેપુરા આર્ટસ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે નશા મુક્તિ અને કાયદાકીય જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ફતેપુરા: ફતેપુરા આર્ટસ કોલેજ ખાતે NSS પ્રોજેક્ટ અંતર્ગત “નશા મુક્ત અભિયાન – નશા છોડો, સ્વસ્થ જીવન જોડો” શીર્ષક હેઠળ વિદ્યાર્થીઓ માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન NSS સંયોજક ડૉ. બી.એન. રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ફતેપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફ, કોલેજના અધ્યાપકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ ટીમ દ્વારા યુવાનોને નશાના દૂષણ, સાયબર ક્રાઈમ, ટ્રાફિક નિયમો તેમજ વિવિધ કાયદાકીય બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
PI શ્રી પી.એ. જાડેજાએ નશાના વ્યસનથી થતા નુકસાન તેમજ ઓનલાઈન છેતરપિંડી અને સાયબર ક્રાઈમથી સાવચેત રહેવા વિદ્યાર્થીઓને સમજ આપી હતી. PSI શ્રી આર.વી. રાઠોડે ટ્રાફિક નિયમો અંગે માર્ગદર્શન આપતાં હેલ્મેટ પહેરવા, ટ્રાફિક સિગ્નલનું પાલન કરવા અને વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરવા અપીલ કરી હતી.
રાયટર શ્રી અશ્વિનભાઈ માલે NSSની સામાજિક સેવા અને રાષ્ટ્રનિર્માણમાં ભૂમિકા અંગે વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે બીટ ઈન્ચાર્જ અ.હે.કો. શ્રી મેહુલકુમાર જસવંતલાલે POCSO અધિનિયમ, બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ તથા કાયદાકીય જોગવાઈઓ અંગે માહિતી આપી હતી.
કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને નશામુક્તિ, સાયબર સુરક્ષા, માર્ગ સલામતી તેમજ મહિલા અને બાળ સુરક્ષા અંગે જાગૃત રહી જવાબદાર નાગરિક બનવા અપીલ કરવામાં આવી હતી. યુવાનો દેશનું ભવિષ્ય હોવાથી કાયદાનું પાલન કરી સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવા હાકલ કરવામાં આવી હતી.