લીમખેડાના દાભડા સબ સેન્ટરની DDO હિરેન બારોટે લીધી મુલાકાત
લીમખેડા: દાહોદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિરેન બારોટે લીમખેડા તાલુકાના દાભડા ખાતે આવેલ સબ સેન્ટરની મુલાકાત લઈ ગ્રામ્ય વિસ્તારમાં નાગરિકોને મળી રહેલી આરોગ્ય સેવાઓની કામગીરીની સમીક્ષા કરી હતી.
મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીએ સબ સેન્ટરમાં ઉપલબ્ધ દવાઓનો જથ્થો, આરોગ્યલક્ષી સાધન-સુવિધાઓ તેમજ દર્દીઓને આપવામાં આવતી સારવાર અંગેની કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. તેમણે કમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO) અને ફિમેલ હેલ્થ વર્કર (FHW) સાથે આરોગ્ય વિભાગના વિવિધ કાર્યક્રમોના અમલીકરણ અંગે ચર્ચા કરી કામગીરીની સમીક્ષા કરી હતી.
આ ઉપરાંત 'ટીબી મુક્ત ભારત અભિયાન' અને 'સિકલ સેલ એનિમીયા' સહિતના રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં ચાલી રહેલી કામગીરી, લાભાર્થીઓને આપવામાં આવતી સેવાઓ તેમજ સમયસર નિદાન અને સારવારની વ્યવસ્થાનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટે આરોગ્ય કર્મચારીઓને રાજ્ય સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ અને સુવિધાઓનો લાભ ગ્રામ્ય વિસ્તારના દરેક નાગરિક સુધી સમયસર અને ગુણવત્તાસભર રીતે પહોંચે તે માટે નિષ્ઠાપૂર્વક કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.