જનરક્ષક-112ની સમયસૂચકતા અને બહાદુરીથી રિક્ષાચાલકની રિક્ષા પરત મળી
દાહોદ: દાહોદ તાલુકામાં રાત્રિના સમયે કુંદનપુરથી કતવારા તરફ મુસાફરોને લઈ જઈ રહેલા રિક્ષાચાલક સાથે મારામારી કરી લૂંટનો પ્રયાસ કરનાર બે શખ્સો રિક્ષા લઈને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનામાં જનરક્ષક-112ની ટીમે સમયસર પહોંચી તાત્કાલિક કાર્યવાહી કરી રિક્ષા શોધી કાઢી રિક્ષાચાલકને પરત સોંપી હતી.
મળતી માહિતી મુજબ, રિક્ષાચાલક રાજુભાઈ ડામોર મુસાફરોને લઈને જઈ રહ્યા હતા. દરમિયાન રિક્ષામાં મુસાફર બનીને બેઠેલા બે શખ્સોએ રસ્તામાં રિક્ષા રોકાવી તેમની સાથે મારામારી કરી લૂંટનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ બંને શખ્સો રિક્ષા લઈને ફરાર થઈ ગયા હતા અને રિક્ષાચાલકને રસ્તા પર છોડી દીધા હતા.
બનાવની જાણ જનરક્ષક-112 કંટ્રોલ રૂમને થતાં ફરજ પરના ડ્રાઇવર ધવલભાઈ કામોલ અને પોલીસ કોન્સ્ટેબલ નિર્મલસિંહ પરમાર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ટીમે રિક્ષાચાલક પાસેથી ઘટનાની વિગતો મેળવી આસપાસના વિસ્તારમાં શોધખોળ શરૂ કરી હતી.
જનરક્ષક-112ની ટીમે સતત શોધખોળ હાથ ધરતાં રિક્ષા મળી આવી હતી. રિક્ષાને સુરક્ષિત રીતે કબજામાં લઈ રિક્ષાચાલકને પરત સોંપવામાં આવી હતી. ત્યારબાદ ઘટનાની વિગતો કતવારા પોલીસ સ્ટેશન ખાતે રજૂ કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર મામલે પૂછપરછ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
સમગ્ર ઘટનામાં જનરક્ષક-112ની ટીમની સમયસૂચકતા, સતર્કતા અને ઝડપી પ્રતિસાદને કારણે મુશ્કેલીમાં મુકાયેલા રિક્ષાચાલકને તાત્કાલિક મદદ મળી હતી અને તેની રિક્ષા પણ સુરક્ષિત રીતે પરત મળી હતી.