લોડ થઈ રહ્યું છે...

સાળીયા ગામે પીપલોદ પોલીસનો દરોડો, રૂ.44 હજારથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો

સાળીયા ગામે પીપલોદ પોલીસનો દરોડો, રૂ.44 હજારથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો
દેવગઢ બારિયા તાલુકાના સાળીયા ગામના કરોળ ફળિયામાં પીપલોદ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રૂ.44,435ની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી કુલ 283 બોટલ વિદેશી દારૂનો જથ્થો કબજે કરી એક આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ પીપલોદ પોલીસ દ્વારા ગેરકાયદેસર દારૂના સંગ્રહ અને વેચાણ સામે કાર્યવાહી કરવામાં આવી રહી હતી. દરમિયાન તા. 22 ઓગસ્ટના રોજ મળેલી બાતમીના આધારે સાળીયા ગામના કરોળ ફળિયામાં આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન રમેશભાઈ ધીરાભાઈ પટેલ, ઉંમર 30 વર્ષ, રહે. સાળીયા કરોળ ફળિયું, તા. દેવગઢ બારિયા,ના મકાનમાંથી લોખંડની પેટીઓમાં સંતાડી રાખેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
પોલીસે પાંચ પેટીઓમાંથી 48 બોટલ લેખે કુલ 240 બોટલ તેમજ છુટક 43 બોટલ મળી કુલ 283 બોટલ દારૂનો જથ્થો કબજે કર્યો હતો. જેની કુલ કિંમત રૂ.44,435 હોવાનું સામે આવ્યું છે. પીપલોદ પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે લઈ આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.