પીપલોદ પોલીસ મથકે ઈદે મિલાદની શાંતિ સમિતિની બેઠક યોજાઈ
દેવગઢ બારિયા: આગામી ઈદે મિલાદના જુલૂસને શાંતિપૂર્ણ અને ભાઈચારાના વાતાવરણમાં સંપન્ન કરવાના હેતુથી પીપલોદ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. પીએસઆઈ એન.એન. પરમારના માર્ગદર્શન હેઠળ યોજાયેલી બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં ઈદે મિલાદના જુલૂસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, કોઈ અપ્રિય ઘટના ન બને તેમજ બંને સમાજ વચ્ચે શાંતિ, એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા જુલૂસ દરમિયાન શાંતિ જાળવવા તથા પોલીસ તંત્રને જરૂરી સહકાર આપવા આગેવાનોને અપીલ કરવામાં આવી હતી.
મુસ્લિમ સમાજ તરફથી રિઝવાનભાઈ, સોહીલભાઈ અને અબ્દુલ કાદિર શેખ સહિતના આગેવાનો તેમજ હિન્દુ સમાજ તરફથી સુરેશભાઈ દરજી, રમેશભાઈ ડાભી સહિતના આગેવાનો બેઠકમાં હાજર રહ્યા હતા. ઉપરાંત સ્થાનિક પત્રકાર મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા.
બંને સમાજના આગેવાનોએ શાંતિ, એકતા અને ભાઈચારાની ભાવના જાળવી રાખવા તથા ઈદે મિલાદનો જુલૂસ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પોલીસને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી.