લોડ થઈ રહ્યું છે...

લીમખેડા-પાલ્લી હડફ બ્રિજ બે મહિનાથી બંધ, ધીમી કામગીરીથી લોકોમાં રોષ

લીમખેડા: દાહોદ જિલ્લાના લીમખેડા અને પાલ્લી ગામને જોડતો હડફ નદી પરનો બ્રિજ છેલ્લા બે મહિનાથી વાહનવ્યવહાર માટે બંધ હોવાથી સ્થાનિકો સહિત વાહનચાલકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજનું રિપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આશરે 60 વર્ષ જૂના આ બ્રિજના રિપેરીંગ માટે અગાઉ એક વર્ષ પહેલા રૂ.76 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. હવે ફરીથી અંદાજે રૂ.80 લાખના ખર્ચે બ્રિજનું રિપેરીંગ કામ ચાલી રહ્યું છે. તેમ છતાં કામગીરી ક્યારે પૂર્ણ થશે અને બ્રિજ ક્યારે વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવશે તે અંગે હજુ સ્પષ્ટતા ન હોવાથી લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે. બ્રિજ બંધ હોવાથી લીમખેડાના નાગરિકોને મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, કોર્ટ, પોલીસ સ્ટેશન, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને સરકારી હોસ્પિટલ સહિતના સ્થળોએ જવા માટે પાલ્લી તરફથી આશરે સાત કિલોમીટરનો વધારાનો ફેરો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને બીમાર દર્દીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને રોજિંદી અવરજવર કરતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે.
બ્રિજ બંધ હોવાના કારણે એસટી બસોની અવરજવર પર પણ અસર પડી છે. આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને વેપારીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે. બ્રિજ બંધ રહેતા લીમખેડાના બજાર અને વેપાર-ધંધા પર અસર થઈ રહી હોવાનો સ્થાનિકોનો દાવો છે. સ્થાનિક ગ્રામજનો અને વેપારીઓ દ્વારા રિપેરીંગ કામગીરીમાં ઝડપ લાવી બ્રિજ વહેલી તકે વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવાની માંગ કરવામાં આવી છે. હવે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામગીરીમાં કેટલી ઝડપ લાવવામાં આવે છે અને બ્રિજ ક્યારે શરૂ કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.