આશાબેનના પરિવારને આરોગ્ય પરિવાર ધાનપુરની ₹1.27 લાખની સહાય
ધાનપુર: ધાનપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝાબુ ખાતે ફરજ બજાવતા આશાબેન (મોહનિયા મંજુલાબેન મુકેશભાઈ)ના દુઃખદ અવસાનથી આરોગ્ય પરિવાર ધાનપુરમાં શોકની લાગણી પ્રસરી છે. આશાબેનના પરિવાર પર આવી પડેલી મુશ્કેલ ઘડીમાં પરિવારને સહારો મળી રહે તે હેતુથી આરોગ્ય પરિવાર ધાનપુરના તમામ કર્મચારીઓ દ્વારા માનવતાભર્યું પગલું ભરવામાં આવ્યું છે.
આજરોજ આરોગ્ય પરિવાર ધાનપુરના તમામ કર્મચારીઓ દ્વારા આશાબેનના પરિવારને **₹1,27,001 (એક લાખ સત્તાવીસ હજાર એક રૂપિયા)**ની આર્થિક સહાય અર્પણ કરવામાં આવી હતી. આશાબેનના પાછળ બે દીકરી અને એક દીકરો છે, ત્યારે તેમના બાળકોના ભવિષ્યમાં આ સહાય થોડો આર્થિક સહારો બની રહે તે હેતુથી કર્મચારીઓએ સંવેદનાપૂર્વક સહાયનો હાથ લંબાવ્યો હતો.
આ પ્રસંગે કર્મચારીઓએ જણાવ્યું હતું કે, “અમે ફૂલ નથી તો ફૂલની પાંખડીરૂપે આશાબેનના પરિવાર સાથે ઊભા છીએ. તેમના નાના બાળકોના ભવિષ્યમાં અમારી નાનકડી મદદ પણ થોડો સહારો બની રહે, એ જ અમારો હેતુ છે.”
આ સહાય માત્ર આર્થિક મદદ નહીં પરંતુ આશાબેનના પરિવાર પ્રત્યે આરોગ્ય પરિવાર ધાનપુરના કર્મચારીઓની માનવતા, સંવેદના અને પરિવારભાવનાનું પ્રતીક બની છે. આ દુઃખદ સમયે કર્મચારીઓએ પરિવારને સાંત્વના પાઠવી હતી અને આશાબેનના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.