ફતેપુરાની ખાનગી શાળામાં સરકારી શૈક્ષણિક સાહિત્ય મળ્યાનો મામલો, તંત્રની તપાસ શરૂ
ફતેપુરા નગરમાં આવેલી ‘ટચ ધ લાઇટ’ ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ ખાનગી શાળામાંથી સરકારી શૈક્ષણિક સાહિત્ય તેમજ સ્માર્ટ બોર્ડ મળી આવ્યાના મામલે તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, સરકારી શાળાઓ માટે ફાળવવામાં આવતી શૈક્ષણિક સામગ્રી ખાનગી શાળામાં કેવી રીતે પહોંચી તે મુદ્દે હવે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ સામગ્રીનો ખાનગી શાળામાં ઉપયોગ થયો છે કે કેમ અને સરકારી સાહિત્ય ખાનગી શાળા સુધી કયા માધ્યમથી પહોંચ્યું તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગુજરાત રાજ્યના પ્રાદેશિક કમિશનર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓ દ્વારા તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
તપાસ દરમિયાન સરકારી શૈક્ષણિક સાહિત્ય અને સ્માર્ટ બોર્ડ અંગેના દસ્તાવેજો તેમજ અન્ય પાસાઓની ચકાસણી કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર મામલે વધુ હકીકતો સામે આવવાની શક્યતા છે.
હવે જોવાનું એ રહેશે કે સરકારી શાળાઓ માટે ફાળવવામાં આવેલી આ શૈક્ષણિક સામગ્રી ખાનગી શાળામાં કેવી રીતે પહોંચી અને આ મામલે જવાબદારી કોની સામે નક્કી થાય છે.