લોડ થઈ રહ્યું છે...

રાજ્યભરમાં રેસ્ટોરન્ટ્સ સામે આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી

રાજ્યભરમાં રેસ્ટોરન્ટ્સ સામે આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
ગાંધીનગર: રાજ્યમાં જાહેર આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી. બેઠક દરમિયાન રાજ્યભરમાં રેસ્ટોરન્ટ્સમાં ચાલી રહેલી ખાસ ચકાસણી ડ્રાઇવની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ ડ્રાઇવ અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્યભરમાં કુલ 187 રેસ્ટોરન્ટ્સમાં આકસ્મિક તપાસ કરવામાં આવી છે. તપાસ દરમિયાન 137 રેસ્ટોરન્ટ્સમાં ગંભીર કક્ષાની અસ્વચ્છતા અને બિનઆરોગ્યપ્રદ સ્થિતિ સામે આવતા જાહેર આરોગ્યના હિતમાં તેમને તાત્કાલિક અસરથી બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત નિયમોનો ભંગ કરનાર કુલ 6 રેસ્ટોરન્ટ્સને સીલ કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 2, રાજકોટ જિલ્લામાં 1 અને નડિયાદ જિલ્લામાં 3 રેસ્ટોરન્ટ્સનો સમાવેશ થાય છે. જ્યારે 40 રેસ્ટોરન્ટ્સને ખામીઓ દૂર કરવા ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ આપવામાં આવી છે અને 4 રેસ્ટોરન્ટ્સના લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પણ શહેરના તમામ ઝોનમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી ઓફિસર અને સેનિટેશન સ્ટાફની સંયુક્ત ટીમોએ 209 હોટેલ-રેસ્ટોરન્ટ અને 34 ઢાબાનું ઇન્સ્પેક્શન કર્યું હતું. તપાસ દરમિયાન 548 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો.
રાજ્યભરમાં રેસ્ટોરન્ટ્સ સામે આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી - Image 2
સુરતમાં નિયમોના ભંગ બદલ 128 હોટેલ-રેસ્ટોરન્ટને નોટિસ આપવામાં આવી હતી અને કુલ રૂ. 4.43 લાખનો વહીવટી દંડ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે સાફ-સફાઈ સહિત ગંભીર ખામીઓ ધરાવતી 43 હોટેલ-રેસ્ટોરન્ટ તાત્કાલિક બંધ કરાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સુરતના વરાછા વિસ્તારમાં 18 ઓગસ્ટ, 2026ના રોજ બનેલી ફૂડ પોઇઝનિંગની ગંભીર ઘટનામાં પાંચ વર્ષની બાળકીના દુઃખદ અવસાન બાદ રાજ્ય સરકારે આ મામલે કડક વલણ અપનાવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યની રેસ્ટોરન્ટ્સમાં ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતાની ચકાસણી માટે ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર, ભેળસેળ કરનાર તેમજ નિયમોનો ભંગ કરનાર તત્વો સામે આગામી દિવસોમાં પણ કડક કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
રાજ્યભરમાં રેસ્ટોરન્ટ્સ સામે આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી - Image 3
રાજ્યભરમાં રેસ્ટોરન્ટ્સ સામે આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી - Image 4
રાજ્યભરમાં રેસ્ટોરન્ટ્સ સામે આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી - Image 5