લીમખેડા ડિવિઝન પોલીસ દ્વારા રૂ.4.23 કરોડનો વિદેશી દારૂનો જથ્થો નાશ કરાયો
દાહોદ: લીમખેડા ડિવિઝન પોલીસ દ્વારા પ્રોહિબિશનના વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દાહોદ-ઇન્દોર રોડ ઉપર જૂની આરટીઓ ચેકપોસ્ટ નજીક સરકારી પડતર જમીનમાં રોલર અને જેસીબીની મદદથી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.
પોલીસની કામગીરી મુજબ દેવગઢ બારિયા, સાગટાળા અને પીપલોદ પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહિબિશનના ગુનાઓમાં કબજે કરાયેલા મુદ્દામાલને નામદાર કોર્ટના હુકમ બાદ નાશ કરવામાં આવ્યો હતો.
દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનના 224 ગુનાઓમાં કુલ 29,882 બોટલ, જેની કિંમત રૂ.60,89,127 હતી. સાગટાળા પોલીસ સ્ટેશનના 318 ગુનાઓમાં 35,806 બોટલ, જેની કિંમત રૂ.72,20,289 હતી. જ્યારે પીપલોદ પોલીસ સ્ટેશનના 130 ગુનાઓમાં 1,04,629 બોટલ, જેની કિંમત રૂ.2,89,97,735 હતી.
આમ ત્રણેય પોલીસ સ્ટેશનના કુલ 672 ગુનાઓમાં 1,70,317 બોટલનો વિદેશી દારૂ-બિયરનો જથ્થો, અંદાજે રૂ.4,23,07,151ની કિંમતનો, નાશ કરવામાં આવ્યો હતો.
આ કાર્યવાહી લીમખેડા વિભાગના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં હાથ ધરવામાં આવી હતી. સમગ્ર કામગીરી દાહોદ ખાતે ઇન્દોર રોડ ઉપર આવેલી જૂની આરટીઓ ચેકપોસ્ટ નજીક કરવામાં આવી હતી.