લીમખેડામાં 10 વર્ષની બાળકી પર જાતીય અત્યાચાર, આરોપીને આજીવન કેદ
દાહોદ: લીમખેડામાં 10 વર્ષની સગીર બાળકી પર થયેલા ગંભીર જાતીય અત્યાચારના કેસમાં લીમખેડા એડિશનલ સેશન્સ એન્ડ સ્પેશિયલ POCSO કોર્ટે આરોપી રાજાભાઈ ઉર્ફે રાજેશ મિનેશભાઈ ડામોરને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે POCSO એક્ટની કલમ-6 હેઠળ આરોપીને બાકીના કુદરતી આયુષ્ય સુધીની સખત કેદ અને રૂ.25 હજારના દંડની સજા ફટકારી છે. દંડ ન ભરવામાં આવે તો વધારાની સખત કેદની સજાનો પણ હુકમ કર્યો છે.
કેસની વિગતો મુજબ, બનાવ સમયે ભોગ બનનાર બાળકીની ઉંમર માત્ર 10 વર્ષ 11 માસ હતી. બાળકીની માનસિક યાતના અને પુનઃસ્થાપનને ધ્યાનમાં રાખીને કોર્ટે ભોગ બનનારને રૂ.10.50 લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.
આ સમગ્ર મામલો 1 ઓક્ટોબર 2025ના રોજ લીમખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. કેસની તપાસ નાયબ પોલીસ અધિક્ષક ડી.આર. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે. રાણાએ હાથ ધરી હતી. તપાસ પૂર્ણ થયા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર કે.સી. વાઘેલાએ સમયમર્યાદામાં આરોપી વિરુદ્ધ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી.
કોર્ટમાં સરકારી વકીલ એસ.બી. ચૌહાણે ધારદાર દલીલો રજૂ કરી હતી. અંતે 8 ઓગસ્ટ 2026ના રોજ લીમખેડા POCSO કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતાં આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. સાથે જ સગીર બાળકીના પુનઃસ્થાપન માટે રૂ.10.50 લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.