દાહોદ ટાઉન પોલીસ મથકમાંથી આરોપી પોલીસ કર્મી ફરાર
દાહોદ: દાહોદમાં પોલીસ બેડામાં ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. દાહોદ ટાઉન પોલીસ મથકના લોકઅપમાંથી પોલીસ કર્મી તરીકે ફરજ બજાવતા એક આરોપી પોલીસની નજર ચૂકવી ફરાર થઈ જતાં પોલીસ તંત્ર દોડતું થયું છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદના એક ગાડી માલિકે પોતાની ગાડીઓ ભાડે લાવી કટિંગમાં વેચી મારવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ધાનપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી વિરુદ્ધ ગાડીઓ ભાડે લાવી વેચી મારવાના આરોપસર ગુનો નોંધાયો હતો.
ગુનો નોંધાયા બાદ પોલીસે આરોપી પોલીસ કર્મચારીને રાજસ્થાનમાંથી ઝડપી પાડ્યો હતો અને દાહોદ ટાઉન પોલીસ મથકે લાવી લોકઅપમાં રાખ્યો હતો. દરમિયાન રાત્રિના સમયે આરોપીની તબિયત ખરાબ થતાં તેને લોકઅપની બહાર લાવવામાં આવ્યો હતો.
આ દરમિયાન આરોપી પોલીસની નજર ચૂકવી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ દાહોદ પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
ફરાર આરોપીને ઝડપી પાડવા માટે LCB, SOG સહિતની પોલીસની વિવિધ ટીમોને કામે લગાડવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા અલગ-અલગ સ્થળોએ શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસ મથકના લોકઅપમાંથી જ આરોપી ફરાર થઈ જતાં સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી છે.