ધાનપુર તાલુકાના મોટી મલુ ગામે ગ્રામસભામાં હોબાળો, સરપંચને સસ્પેન્ડ કરવાની માંગ
ધાનપુર: દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના મોટી મલુ ગામે યોજાયેલી ગ્રામસભામાં વીડિયો ઉતારવા બાબતે તેમજ ગ્રામજનો દ્વારા પૂછવામાં આવેલા સવાલોને લઈને ભારે હોબાળો થયો હતો. વાત વણસતાં સરપંચના પરિવારજનો દ્વારા ગ્રામસભામાં હાજર ગ્રામજનો સાથે હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે.
ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ એકઠા થઈ દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી સરપંચને તાત્કાલિક હોદ્દા પરથી સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. તેમજ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે.
ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો તંત્ર દ્વારા આ મામલે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.