સ્વાતંત્ર્ય પર્વે દાહોદની શિક્ષણ અને રમતગમત ક્ષેત્રની પ્રતિભાઓનું સન્માન
સુખસર, દાહોદ: દાહોદ જિલ્લામાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના અવસરે શિક્ષણ, રમતગમત સહિત વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સુખસર ખાતે સહપ્રભારી મંત્રી પી.સી. બરંડાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં પ્રતિભાશાળી વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓને સન્માનપત્ર અર્પણ કરી તેમની સિદ્ધિને બિરદાવવામાં આવી હતી.
શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ જિલ્લા શિક્ષણાધિકારી સુરેન્દ્રકુમાર એલ. દામા તથા શિક્ષણ નિરીક્ષક ડૉ. રાકેશ આર. ભોંકણનું સન્માન કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લામાં ગુણવત્તાસભર શિક્ષણ અને શૈક્ષણિક પ્રગતિ માટે તેમના યોગદાનની પ્રશંસા કરવામાં આવી હતી.
રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ દાહોદ જિલ્લાનું નામ રોશન કરનાર રોશનીબેન લલ્લુભાઈ મિનામા, કાજલબેન સમરુભાઈ ભાભોર અને મનીષાબેન વિનુભાઈ કટારાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આગાવાડા, તા. ઝાલોદની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની આ ખેલાડીઓએ SGFI દ્વારા આયોજિત 69મા રાષ્ટ્રીય શાળાકીય રમતોત્સવ 2025-26માં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ધ્રુતિ હેમંતકુમાર પ્રજાપતિએ SSC ફેબ્રુઆરી/માર્ચ-2026ની પરીક્ષામાં 98.33 ટકા સાથે દાહોદ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. પીઠાયા નિખિલ વિજયભાઈએ HSC સામાન્ય પ્રવાહમાં 94.85 ટકા સાથે પ્રથમ સ્થાન, જ્યારે મયંક માલાભાઈ મિનામાએ HSC વિજ્ઞાન પ્રવાહમાં 88.92 ટકા સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
આ ઉપરાંત આયુષી સચિનકુમાર કડિયાએ SSCમાં 97.33 ટકા સાથે દ્વિતીય સ્થાન, રેણુકાબેન પ્રતાપભાઈ બારીયાએ HSC સામાન્ય પ્રવાહમાં 93 ટકા સાથે દ્વિતીય સ્થાન અને ત્વીશા મહેશકુમાર પટેલે HSC વિજ્ઞાન પ્રવાહમાં 87.43 ટકા સાથે દ્વિતીય સ્થાન મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.
સ્વાતંત્ર્ય પર્વના આ પ્રસંગે સન્માનિત થયેલી પ્રતિભાઓની સિદ્ધિને બિરદાવતાં ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે આવી પ્રતિભાઓ અન્ય વિદ્યાર્થીઓ અને યુવાનો માટે પ્રેરણારૂપ બને છે. શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું સન્માન તેમની મહેનતને પ્રોત્સાહન આપવાની સાથે દાહોદ જિલ્લાને નવી ઊંચાઈઓ હાંસલ કરવા માટે પ્રેરણા આપનારું સાબિત થશે.