દેવગઢ બારિયા તાલુકાના રેબારી ગામે તાલુકા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી
દેવગઢ બારિયા: દેવગઢ બારિયા તાલુકા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી રેબારી ગામ ખાતે ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. મામલતદાર સમીર પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
ધ્વજવંદન બાદ વંદે માતરમ ગીત અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ દેશભક્તિના ગીતો પર સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની રજૂઆતથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.
આ પ્રસંગે પ્રતિભાશાળી શિક્ષકોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત રેબારી ગામની શાળામાં અભ્યાસ કરી ઉચ્ચ શિક્ષણ મેળવી શિક્ષક બનેલા શિક્ષકોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તિરંગાની આન-બાન-શાન સાથે રેબારી ગામમાં સમગ્ર દિવસ દરમિયાન દેશભક્તિનો માહોલ છવાયેલો રહ્યો હતો અને રેબારી ગામ આખું રાષ્ટ્રમય બન્યું હોય તેવું દૃશ્ય જોવા મળ્યું હતું.
રિપોર્ટર દર્શન સુતરીયા | દેવગઢ બારિયા