લોડ થઈ રહ્યું છે...

દાહોદ સબ જેલમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી

દાહોદ સબ જેલમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી
દાહોદ: દેશભરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે દાહોદ સબ જેલ ખાતે પણ રાષ્ટ્રભક્તિના માહોલ વચ્ચે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જેલના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બંદીવાનોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજને સલામી આપી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને વંદન કરી દેશની એકતા, અખંડિતતા અને પ્રગતિ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સ્વાતંત્ર્ય સંગ્રામના અમર શહીદો તથા રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપનાર મહાનુભાવોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. બંદીવાનોમાં દેશપ્રેમ, રાષ્ટ્રભાવના અને સકારાત્મક જીવનમૂલ્યોને પ્રોત્સાહન મળે તે હેતુથી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી, શિસ્ત, જવાબદારી અને સેવાભાવ દાખવનાર જેલ કર્મચારીઓનું પ્રશંસાપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
જેલમાં સારા વર્તન અને સકારાત્મક કામગીરી કરનાર બંદીવાનોને પણ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અગાઉ યોજાયેલા “બચપણ કી યાદે” રમતમહોત્સવમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા બનેલા બંદીવાનોને પણ પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના માધ્યમથી બંદીવાનોમાં દેશપ્રેમ, શિસ્ત, એકતા અને સારા નાગરિક બનવાની જવાબદારીની ભાવના વધુ મજબૂત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.