લોડ થઈ રહ્યું છે...

સાગટાળા પોલીસે વિદેશી દારૂ ભરેલી બોલેરો ઝડપી, રૂ.8.90 લાખનો મુદ્દામાલ જપ્ત

સાગટાળા પોલીસે વિદેશી દારૂ ભરેલી બોલેરો ઝડપી, રૂ.8.90 લાખનો મુદ્દામાલ જપ્ત
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા પોલીસ મથક વિસ્તારમાં પોલીસે વિદેશી દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરી સેવનીયા ગામ નજીકથી વિદેશી દારૂ ભરેલી બોલેરો ગાડી ઝડપી પાડી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે સેવનીયા ગામ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન શંકાસ્પદ બોલેરો ગાડી આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરની કુલ 2,784 બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂ-બીયરની કિંમત રૂ.4,35,504 હોવાનું સામે આવ્યું હતું. પોલીસે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી બોલેરો ગાડી કિંમત રૂ.4.50 લાખ તેમજ એક મોબાઇલ સહિત કુલ રૂ.8,90,504નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રોયલ ક્લાસિક માલ્ટ વ્હિસ્કીના 1,536 પ્લાસ્ટિક ક્વાર્ટર, માઉન્ટ્સ 6000 સુપર સ્ટ્રોંગ બીયરની 432 બોટલ, લંડન પ્રાઇડ પ્રીમિયમ વ્હિસ્કીના 480 પ્લાસ્ટિક ક્વાર્ટર અને રોયલ સ્ટેગની 336 કાચની બોટલોનો સમાવેશ થાય છે. આ કેસમાં પોલીસે રૂપારેલ, દેવગઢ બારિયાના અક્ષયકુમાર બાબુભાઈ રાઠવાની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સાગટાળા પોલીસે કુલ પાંચ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર દર્શન સુતરીયા દેવગઢ બારિયા