દેવગઢ બારિયામાં DAP કાળાબજારીનો પર્દાફાશ? 400 થેલી ખાતર સાથે ગોડાઉન સીલ
દેવગઢ બારીઆમાં ડીએપી ખાતરની કાળાબજારી સામે ખેતીવાડી તંત્રનો સપાટો
દેવગઢ બારીઆ: તાલુકામાં ડીએપી ખાતરની કાળાબજારીની ફરિયાદો વચ્ચે જિલ્લા ખેતીવાડી તંત્ર દ્વારા મેન્દ્રા ચોકડી ખાતે આવેલા એક ખાનગી ગોડાઉન પર સરપ્રાઈઝ રેડ પાડવામાં આવી હતી. ખાનગી બાતમીના આધારે જિલ્લા અધિકારીઓની ટીમે કાર્યવાહી કરી ગેરકાયદેસર રીતે સંગ્રહિત ડીએપી ખાતરની 400 થેલીઓ ઝડપી પાડી હતી.
મળતી માહિતી મુજબ, સહકારી મંડળી સાથે સંકળાયેલા ઈસ્માઈલ બાજી નામના વ્યક્તિ દ્વારા ડીએપી ખાતરનો જથ્થો શંકાસ્પદ રીતે ગોડાઉનમાં ખસેડવામાં આવ્યો હોવાની માહિતીના આધારે ખેતીવાડી વિભાગે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મેન્દ્રા ચોકડી નજીક આવેલા ગોડાઉનમાંથી ડીએપી ખાતરની 400 થેલીઓ મળી આવતા તંત્ર દ્વારા ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યું હતું.
આ ગોડાઉન બારીઆ અનાજ ઉત્પાદક સહકારી મંડળી અને બારીઆ વિભાગ ખેડૂત ગ્રાહક સહકારી ભંડાર સંઘ સાથે સંકળાયેલું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સહકારી મંડળીના ખાતરનો કાળાબજારમાં ઊંચા ભાવે વેચાણ થતું હોવાની ફરિયાદો અગાઉથી ઉઠી રહી હતી.
ખેડૂતો તરફથી મળેલી માહિતીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હોવાનું ખેતીવાડી તંત્ર દ્વારા જણાવાયું છે. સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સંસ્થાઓના લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ડીએપી ખાતરની કાળાબજારી સામે થયેલી આ કાર્યવાહીને પગલે ખાતરની ગેરરીતિ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. સમગ્ર મામલે ખેતીવાડી વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને તપાસમાં અન્ય વ્યક્તિઓની સંડોવણી સામે આવશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
રિપોર્ટર દર્શન સુતરીયા દેવગઢ બારિયા