લીમખેડામાં દેશભક્તિના રંગે રંગાયું નગર, ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
લીમખેડા: દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવવાના ઉદ્દેશ સાથે લીમખેડા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદસભ્ય તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી જસવંતસિંહ ભાભોરની આગેવાનીમાં યોજાયેલી યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
યાત્રામાં ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર, મહામંત્રી શ્રી અનિલભાઈ શાહ, શ્રી ભરતભાઈ ભરવાડ સહિતના આગેવાનો, સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, યુવાનો તથા નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા.
હાથમાં તિરંગો લઈને ભારત માતાના જયઘોષ સાથે યાત્રા લીમખેડા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. આ દરમિયાન **‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’**ના દેશભક્તિના નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો અને નગરમાં દેશભક્તિમય માહોલ છવાયો હતો.
તિરંગા યાત્રા દરમિયાન રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને ગૌરવ જાળવવાનો સંકલ્પ પણ કરવામાં આવ્યો હતો. યુવાનો અને વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ તથા દેશ પ્રત્યેની જવાબદારીની ભાવના કેળવવાના સંદેશ સાથે યોજાયેલી આ યાત્રા નોંધપાત્ર બની રહી હતી.
રિપોર્ટર : દર્શન સુતરીયા
દેવગઢ બારિયા